Home Loan નો હપ્તો ન ભરી શકતા ફાયનાન્સ કંપનીએ કડક ઉઘરાણી કરતા ફરિયાદ નોંધાઈ
ખાનગી ફાયનાન્સ કંપની વાળાઓ કડક ઉઘરાણી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રણવ ભાવસાર નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે નરોડા કઠવાડા રોડ પર આવેલી શ્યામવિલા ગ્રીન સોસાયટીમાં રહે છે અને કાપડનો ધંધો કરે છે. મકાન લેવા માટે તેમણે Capri Home Finance કંપનીમાંથી લોન લીધી હતી. કમનસીબે એક મહિનાનો હપ્તો નહીં ભરી શકાતા ફાયનાન્સ કંપનીના ચાર લોકો ઘરે આવી ચઢ્યા હતા.
બાદમાં ઘરની દીવાલ પર નોટિસ લખી દીધી હતી કે આ મકાન Capri Home ફાયનાન્સ કંપનીના બોજા હેઠળ છે.જેથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલાં એનઓસી લેવી જરૂરી છે. લોનનો હપ્તો લેવા આવેલા લોકોએ મકાન માલિક સાથે મારામારી કરતા પોલીસને જાણ કરાઈ હતી. જોકે આ મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નરોડા શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા શ્યામવિલા સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય હેતલબહેને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિએ ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી મકાન માટેની લોન લીધી હતી અને એક હપતો ભરી શક્યા નહોતા જેના લીધે ફાયનાન્સ કંપનીના ચાર જેટલા માણસો ઘરે આવીને ધાક ધમકી આપવા લાગ્યા હતા અને મકાનની દીવાલ પર લખાણ પણ લખ્યું હતું. જેથી ફાયનાન્સ કંપનીના આવેલા માણસો અને મકાન માલિક વચ્ચે ઘર્ષણ થયું હતું જે બાદ પોલીસને જાણ કરાતા ફાયનાન્સ કંપનીના ચાર માણસો વિરુદ્ધ નરોડા પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે બીજીતરફ ફાયનાન્સ કંપનીએ પણ મકાન માલિક વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે બંનેની પક્ષની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાનથી મારી નાખવા સુધીની ધમકી આપી
ખાનગી ફાયનાન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ઉઘરાણીએ આવેલા ચાર શખ્સોમાંથી એક શખ્સે મકાન માલિકને મારી નાંખવા સુધીની ધમકી આપી અને કહ્યું કે હું ભાઈપુરાનો રબારી છું તને જીવતો નહીં છોડું અને હવે આ દુશ્મની મારી અંગત બાબત થઇ ગઈ છે, આવા શબ્દોનો પ્રયોગ ફાયનાન્સ કંપની વતી ઉઘરાણીએ આવેલા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિએ કર્યો હતો.